મહેકતું ગુજરાત રમેશ પટેલ(આકાશદીપ) - Mehaktu Gujarat Ramesh Patel Akashdip
4.29 stars -
286 reviews
ગાજે મેહૂલીઓ ને સાવજની દહાડ
જાણજો એજ મારું વતન ગુજરાત
જ્યોતને અજવાળે રમે ભક્તિ શ્રધ્ધા
આંખની અમીથી વહે દાનની ગંગા
પ્રભાતીયાના સૂરે જ્યાં પ્રગટે પ્રભાત
જાણજો એજ મારું વતન ગુજરાત
શીખવ્યા સાગરે સૌને સાહસના પાઠ
ને સાબરે પ્રગટાવી આઝાદીની આગ
ગૂંજે જય સોમનાથની હાકો દિનરાત
જાણજો એજ મારું વતન ગુજરાત
શોભતો કચ્છડો મારો શરદની રાત
વલસાડી કેરી જેવા કોયલના ગાન
ચરોતરી ખમીર ને ઑલી પટોળાની ભાત
જાણજો એજ મારું વતન ગુજરાત
તાપીના તટ ને પાવન નર્મદાના ઘાટ
મહીથી મહીમાવંત, મારું ગરવું ગુજરાત
ઘૂમતા મેળાંમાં લોક ભૂલીને જાત
જાણજો એજ મારું વતન ગુજરાત
છે ગાંધી સરદાર મારી ગુર્જરીના નેત્ર
દીપતિ સંસ્કૃતિ મારી થઈ વિશ્વામિત્ર
સુદામાની પોટલીએ દીધી સખાની યાદ
જાણજો એજ મારું વતન ગુજરાત
ના પૂછશો ભાઈ કોઈને, કેવડું મોટું ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં મહેકતું ગુજરાત