ભોળો કેવો વેશધારી.....
વેશધારી વેશધારી વેશધારી, ભોળો કેવો વેશધારી,
એને નડતી નથી મોંઘવારી , ભોળો કેવો વેશધારી.
ઊંચા શિખર પર રહે એકલડો,
એણે કીધી ના કોઇથી યારી, ભોળો કેવો વેશધારી.
અંધારી રાતે ને અજવાળા માટે,
એણે રાખ્યો બીજ ચંદ્ર ઘારી, ભોળો કેવો વેશધારી.
ભૂતગણ ટોળે ને ભસ્મ જ ચોળે,
એ તો શિર જટા ગંગધારી, ભોળો કેવો વેશધારી.
આભુષણ એના હાલતા ને ચાલતા,
એને મસ્તી છે ભાંગની ભારી, ભોળો કેવો વેશધારી.
પહેરે વ્યાઘ ચર્મ ને ડમરું જ બોલે,
એણે સ્મશાને કીધી છે પથારી, ભોળો કેવો વેશધારી.
આપવા ને જગતને રૂડો સંદેશો,
એતો બન્યો છે નીલકંઠ ધારી, ભોળો કેવો વેશધારી.
"રામ ભક્ત"એના ને એ ભક્ત રામનો,
એણે તો લીલા કીધી છે ન્યારી, ભોળો કેવો વેશધારી.
રચયિતા: આદરણીય શ્રી "રામભગત."
સંકલન: "સ્વપ્ન " જેસરવાકર ( ગોવિંદ પટેલ)