બાર માસનું ગીત
આવ્યો પ્રથમ કારતક માસ, લાવ્યો નવા વર્ષનો સાદ,
ભાઈ બીજ ને લાભપાંચમ, આવે દેવ દિવાળી ની સાથ.
માગશર માસ છે બીજો, હવે શિયાળાની ખરીદો ચીજો,
અંબાજીના સંઘમાં જોડાઈને, હેતે ગબ્બર ગઢે જ ઘૂમો.
પોષ માસ તો છે રૂડો, ભાઈ પતંગ લઈને આકાશે ઝૂમો,
માણો પોંકની મઝા અનેરી,સાથે ઉધીયાની આશ ઘણેરી.
મહા માસની આભા સોનેરી, વસંત પંચમી છે મોઘેરી,
લાખેણા લગ્ન જ લેવાય, સર્વે તો આનંદ મંગલ ગાય.
ફાગણમાં ફુલો મહેકાય , હોળી ધૂળેટીએ રંગોમાં ન્હાય,
ધાણી-ચણા,ખજુર ખાય, ડાકોર સંઘમાં માનવ ઉભરાય.
ચૈત્ર માસે મેળા ભરાય, રામ જન્મોત્સવ જ ઉજવાય,
હનુમાન જયંતિની સાથે, ચૈત્રી નોરતાની જ વાટે.
વૈશાખે આવે અખાત્રીજ, ખેડૂત શોધે બળદ ને બીજ,
લગ્ન સમયનું છે ટાણું, કપડા, સોનામાં જ જાયે નાણું.
જેઠ માસે થાય છે ઉકળાટ, સૌ જુએ વરસાદની વાટ,
ખેડૂત ખેતર સરખું કરે, સહુ અગાશીમાંથી કચરો ભરે.
મોરલો કળા અષાઢે કરે, ગુરુને અર્ચન પૂજન ભેટ ધરે,
રીમઝીમ મેઘ મલ્હાર વરસે,તરસી ધરતી હરખે હર્ષે.
પુરષોતમની થાયે વધામણી, એ શ્રાવણની તો એંધાણી
શિવ મંદિરમાં ઘંટારવ ગાજે, બહેનો હૈયે હરખ જ નાચે.
ભાદરવો ભરપુર રાચે, દેવ દુદાળાને શણગારવા લાગે,
શ્રાદ્ધ પક્ષનું પખવાડિયું આવે, પૂર્વજો ને તર્પણ ધરાવે.
આસો નવરાત્રમાં સંગીતના સાજે, અબાલ વૃદ્ધ સહુ જ નાચે,
શરદપુનમ,ધનતેરશ ને,ચૌદશ કાળી, રુમઝુમ આવી દિવાળી.
આવી છે ભાઈ બારમાસની કહાની, તહેવારોની છે જવાની,
કહી છે "સ્વપ્ન" એ હરખ વાણી, વાંચો ગાઓ આ કહાણી.
( શ્રાવણ માસમાં " બહેનો ને હૈયે હરખ નાચે એટલે રક્ષા બંધન )
" સ્વપ્ન " જેસરવાકર ( ગોવિંદ