email from crow community

4.29 stars - 286 reviews

કાગડા કોમ્યુનીટી નો ઈ-મેઈલ : પિતૃપદેથી V.R.S આપો

આદરણીય મનુષ્યો, (તમામ જ્ઞાતિ, તમામ ધર્મ)
 
વિષય : પિતૃપદેથી V.R.Sઆપવા બાબત.
 
શ્રાદ્ધપક્ષના દિવસો ચાલી રહ્યા છે અને નાછૂટકે તમને આ અરજન્ટ ઇ-મેલ કરવો પડ્યો છે. જેનો તાત્કાલિક અમલ કરવા હું ‘અખિલ વિશ્વ કાગડા કોમ્યુનિટી’ તરફથી સમગ્ર માનવજાતને આ વિનંતિસહ ધમકી પાઠવું છું. તમે માણસો કયા બેઇઝ ઉપરથી અમને પિતૃઓ ગણો છો? આ મુદ્દે અમારા પક્ષીસમાજમાં ખૂબ મોટા ઝઘડાઓ થઇ ગયા છે. એક તો એકેય બાજુથી તમે લોકો કાગડા જેવા લાગતા નથી. કાગડા હોવાનો પ્રથમ નિયમ એ છે કે જેવા અંદર હો એવા જ બહાર દેખાવું પડે, અને જે ગુણ તમે કદી આત્મસાત્ કરી શકતા નથી. ઊલટાનું તમે તો સફેદ કપડાં પહેરીને કાળા ધંધા આદરો છો. જે ગુણ બગલા સાથે મળતો આવે છે. તો આપ સર્વે મનુષ્ય સમાજને વિનંતી છે કે બગલા અથવા વાંદરાને આપ ખીર ખવડાવો. આમેય ગયા ભાદરવે તમે લોકોએ જે ખીર ખવડાવી એમાં પાવડરના દૂધની ખીર ઉડાડી’તી એટલે અમારી નાતમાં ત્રણ હજાર અને બસ્સો જેટલા કાગડાઓને ઝાડાઊલટી થઇ ગયા’તા. વળી અમારે તો તમારી જેમ ઇમરજન્સી ૧૦૮ જેવી વ્યવસ્થા પણ ન હોય. તમારા પિતૃઓની તો ખબર નથી પરંતુ ગયા ભાદરવે તમારી ભેળસેળવાળી ખીરથી અમારા ૨૧૫ જેટલા કાગડાઓ અવસાન પામીને પિતૃ થઇ ગયા. જેમનાં સંતાનોને રહેમરાહે નોકરી આપવામાં અમને ફીણ આવી ગયાં.
આથી અમે કાગડાઓએ ઓણ નક્કી કર્યું છે કે તમે લોકો ગમે એટલા ખીરના લોંદા ઉડાડો તોય અમે કોઇ આ વર્ષ તમારી અગાસી ઉપર ફરકવાના નથી. બીજી બહુ અગત્યની વાત કે ભાદરવા માસમાં અમારી કાગડીઓ બચ્ચાંને જન્મ આપે છે. એ બચ્ચાંના આહાર માટે જે તે સમયે તમારા વડવાએ આ ખીર ખવડાવવાનો ‘રિવાજ’ શરૂ કર્યો હતો. આ એક પક્ષીપ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. હવે તમે લોકો એને પિતૃઓ સાથે જોડી અમને ઇમોશનલી બ્લેક મેઇલ કરવાનું બંધ કરો તો સારું. અમારી કાગડાની આખી જ્ઞાતિનું મુખ્ય કામ સમાજમાંથી કચરો દૂર કરવાનું છે અને તમારી આખી જ્ઞાતિ આ સિદ્ધાંતથી વિરુદ્ધ ધરતી ઉપર કચરો વધારવાનું કામ કરી રહી છે. જેનાથી અમને ખૂબ ઠેસ પહોંચી છે.
અત્યાર સુધી અમે તમારી જ્ઞાતિને ઘણા બધા મુદ્દાઓ પર માફ કરી છે. જેમ કે, તમે તમારાં સંતાનોને ‘કાગડો કા કા કરતો આવે’ આવાં જોડકણાં અને ગીતો અમારી પૂર્વ પરવાનગી વગર વર્ષોથી ગવડાવ્યાં કરો છો. ‘જુઠ બોલે કૌઆ કાટે, કાલે કૌએ સે ડરીઓ’ આ ગીતકારને પણ અમારી જ્ઞાતિવિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અમે માફ કર્યો છે. તો પેલો દલેર મહેંદીએ ‘સચ બોલ કાલા કૌઆ કાટ ખાયેગા’ આવું ગાઇગાઇને કરોડો રૂપિયા બનાવી લીધા ને અમને રોયલ્ટી પેટે કશું નથી મોકલ્યું. હોરર ફિલ્મ ‘ફૂંક’ વાળા ઉપર તો અમારો યુવા કાગડા સમાજ ધૂંઆપૂંઆ છે. એકમાત્ર કવિ રમેશ પારેખે ‘કાગડો મરી ગયો’ આ કવિતામાં અમારી વેદનાને વાચા આપી જે બદલ સંસ્થા એમનો આભાર માને છે. તમારી આખી દુનિયામાં માણસ એક જ છે ને એ છે બિલ ગેટસ. જેને પોતાની કંપની ‘માઇ-ક્રો-સોફટ’ નામ રાખ્યું એમાં ક્રો (કાગડો) આવતું હતું એટલે તેમણે અમારા સમાજને રોયલ્ટી પેટે કરોડો રૂ. મોકલ્યા. જેમાંથી આજ અમારી યુવા પેઢી કમ્પ્યુટર શિક્ષણ લઇ રહી છે. ત્રીજી વાત ‘કાગડો આવવાથી મહેમાન આવે છે’ આવી ખોટી અફવાઓ ન ફેલાવો યાર, અમુક લોભીયા’વના ઘરે તો અમે લોકોએ પણ જવાનું બંધ કર્યું છે.
 
અંતમાં સમગ્ર કાગડા કોમ્યુનિટી વતી પ્રાર્થના છે કે અમે લોકો તમારા પિતૃ પદેથી V.R.S લેવા માંગીએ છીએ. તમારાં કારનામાંઓથી કંટાળીને અમારી જ્ઞાતિએ આ નિર્ણય લીધો છે. અમને માફ કરજો અને આ ભાદરવે અમારી રાહ ન જોતા.
 
છેલ્લી મફત સલાહ કે તમે માણસો પિંડદાન, પિતૃતપર્ણ અને પિતૃમોક્ષ માટે મા-બાપના મર્યા પછી જેટલો ખર્ચો કરો છો એનાથી અડધો જો જીવતાં મા-બાપને સાચવવામાં કરો તો કદાચ તમારા પિતૃઓને જીવતાં જ મોક્ષ મળી જાય. આ મેઇલ મળ્યા પછી પણ જો તમે ‘કાગ-કાગ’ની રાડો પાડશો તો ન છુટકે અમારે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવવાં પડશે અને માનહાનિનો દાવો માંડવો પાડશે. સહકારની શ્રદ્ધા સાથે.
 
સૂચનાનો અરજન્ટ અમલ કરવા વિનંતી.
 
- પ્રમુખ
(સહી અવાચ્ય)
અખિલ વિશ્વ કાગડા કોમ્યુનિટી
 
 
હાઉકલી
પાણી પાણી પોકારતો જેનો આતમો ઊડી જાય.
પછી પીપળે પાણી પાય, ઇ મર્યા પછી શું માનડાં

Post/View Comment