સત્યાગ્રહને સથવારે રે, આઝાદી કેરી રણભેરી બજી,
અહિંસાને આધારે રે, આઝાદી કેરી રણભેરી બજી.
સુકલકડીમાં એવી શૂરતા ભરી,
અંગ્રેજ વિલાયત ભાગે રે, આઝાદી કેરી રણભેરી બજી.
ટુંકી પોતડી પ્રેમે અપનાવી ,
રેટિયા કેરા રણકારે રે, આઝાદી કેરી રણભેરી બજી.
બારડોલીએ તો દીધા ડોલાવી,
સરદાર શા શુરવીરે રે, આઝાદી કેરી રણભેરી બજી.
લાલ ગુલાબ તો રહ્યું છે શોભી,
જવાહર જેવા હીરે રે, આઝાદી કેરી રણભેરી બજી.
આઝાદ હિન્દ ફોજના લલકારે,
સુભાષચંદ્રની હાંકે રે, આઝાદી કેરી રણભેરી બજી.
લાલાજી, સુખદેવ ને ભગત સાથે,
શહીદો કેરી શહાદતે રે, આઝાદી કેરી રણભેરી બજી.
નામી અનામી શહીદોની સાખે,
રણબંકાની રણહાંકે રે, આઝાદી કેરી રણભેરી બજી.
ઓગષ્ટ માસે ને પંદરમીએ રાત્રે,
આઝાદી ઉજાસ આકાશે રે, આઝાદી કેરી રણભેરી બજી.
નવયુવાનો હવે સંકલ્પ જ કરો,
જગત જાગે ત્રિરંગાના સાદે રે, આઝાદી કેરી રણભેરી બજી.
"સ્વપ્ન" જેસરવાકર ( ગોવિંદ પટેલ)