હેંડો લ્યા મંગળપર Let's go on Moon
કારતક માસની ગરમી ઠંડીથી મિશ્રિત સીઝનમાં સુર્ય નારયણ દેવતા પણ જાણે
સરકારી કર્મચારીયોની જેમ ઘેર વહેલા જવાની ઉતાવળ કરે છે.
ગોદડિયા ચોરાની ચર્ચાના વાવટા દેશ પરદેશમાં લહેરાઇ રહ્યા હોઇ હમણાં ચોરાના
સભ્યોની સંખ્યા દિન પ્રતિદિન ખુબ જ વધી રહી હતી.
ચોરામાં હું કોદાળો કચોલું ગઠો અઠો બઠો શંખ ભુત સાથે નાગજી નાગો અમરત શકુની
ગબજી ગોદો હરજી હોકલી રણછોડ રોકડી કંકુ કચકચીયણ રેવા રંગારણ ડહી ડાપણ
મંગુ મોંઘી શાન્તા સતપતીયણ એમ મેળો જામ્યો હતો.
છેવટે ચોરા સમાપ્તિની ઘોષણા કરતાં મેં કહ્યું “લ્યા જેને મંગળપર આવવું હોય એ બધા
તૈયારી કરવા માંડજો. પછી કે’તા (કહેતા)કે ગોદડિયા અમને કહ્યું જ નૈ (નહિ)?”
બસ એ દા’ડે (દિવસે) હોંજે (સાંજે) આખા શે’રમાં (શહેર) વાત વે’તી (વહેતી) થઇ
કે‘ ” અલ્યા ભયા (ભાઇ) હોંભર્યું (સાંભળ્યું) આ ગોદરિયા (ગોદડિયા) સોરા (ચોરા)
વારા મંગળપર જવાના સે (છે).”
પછી તો “ગેર ગેર( ઘેર ઘેર) સેતરે સેતરે ( ખેતરે ખેતરે) સોરે (ચોરે) ચવુંટે (ચૌટે) નેહારે
(નિશાળે)ગોમે ગોમ (ગામે ગામ) મંદિરે માદેવે (મહાદેવે) મજિદે (મસ્જીદે) સરચે (ચર્ચે)
બજારે વાત એક ગોમથી બીજે ગોમ (ગામ) એક સેર (શહેર)થી બીજે સેર મે’લે (મહેલે)
ને ઝોંપડે (ઝુંપડી)નગારે નગારે ગાજ્વા લાગી.”
“કેટલાક લેભાગુ ટ્રાવેલ એજન્ટો રાતોરાત ફુટી નીક્ળ્યા હતા. એમણે તો જાહેરખબરો
છપાવી.ચાલો ચાલો વહેલો તે પહેલોના હિસાબે મંગળપર જવા કિફાયત દરે બુકિંગ કરાવો.
એમપરદેશ જવાની ઘેલાછાવાળા ગુજરાતીયોને રીતસર લુંટવા માંડેલા.”
“શકરી શાકભાજીવાળીએ તો ભિંડા ચોળી ગલકાં દુધી ડુંગળી ઉપર “શકરી શાકવાળી”ના
નામનાં લેબલ બનવડાવીને ચોંટાડી દીધેલાં જેથી મંગળ પર એના નામની જાહેરાત થાય.”
“શકરી શાકવાળી હાથલારીમાં શાક ભરી મારે ઘેર આવી પહોંચી ને મારાં પત્નીને કહે બોન
તમારા સાયેબ તો મંગરપર હેંડ્યા તો ખાવાનું તો જોયશે ને તો લ્યો દહ(દશ)શેર દુંગરી
(ડુંગળી) બાર કિલો બટાકા દહ શેર દુધી કોથરો (કોથળો) ભરી કુબી (કેબેજ) મન (મણ)
મુરા (મુળા) આ બધુ જોખી આપું કે એટલે ઉંય (હું)નવરી ને સાયેબને લીલા લે’ર (લહેર).”
“મુલચંદ કંસારા વાટકા પ્યાલા થાળીઓ તપેલાં ચમચા પર લેબલ લગાવીને આવી ગયા.”
“મુકેશભાઇ કચિન્સ ટેલર્સવાળા ધોતી ઝભ્ભા પેન્ટ શર્ટ ચાદરો વિગેરે લઇને આવી ગયા.”
મારા ઘર આગળ આખી શેરીમાં સાયકલ સ્કુટર ટેમ્પા રિક્ષા ટ્રકો ટ્રેકટર કાર ને જીપનો
ઝમેલો જામ્યો હતો. બસ આસપાસ માણસોનાં ટોળે ટોળાં વળ્યાં હતાં .દરેક્ના મારા ઘેર
જવા હુંસાતુસી ને બુમ બરાડા પાડી ધક્કા મુકી કરી રહ્યા હતા.
“કોઇ અથાણા તો કોઇ પોંક તો કોઇ મિઠાઇ તો કોઇ કરિયાણા કોઇ પાપડ તો કોઇ
ફરસાણવાળાદરેક પોતાના માલની જાહેરાત સાથે ત્યાં દુકાન કરવાનો ચાન્સ લાગે એ
આશાએ આવ્યા હતા.”
“કેટલાક ટિકિટ કપાવાથી નિરાશા ભર્યા તો કેટલાક હાંસિયામાં ધકેલાઇ ગયેલા નેતાઓના
ચમચાઓ પણ એમના નેતાઓનો અહિં નહિ તો ત્યાં નંબર લાગે એ આશાએ આવેલા.”
“પેલા આજતકવાળા દર પંદર મિનિટે કહે છે કે જિનકી ભવિષ્યવાણી સો ટકા સચ હોતી હે
વો દીપકકપુર આપકે તારે વાલેકા એક ચમચા ભી આકે હમારે સામને ગીડ ગીડા રહા થા. કિ
ભાઇ આજ સુધી મંગળ નડે છે એમ કહી અમારા જેવા જ્યોતિષીઓ જનતાને ઉલ્લુ બનાવતા
પણ જ્યારથી આ મંગલયાનો ઉપડ્યાં છે ત્યારથી નંગો બેઅસર થઇ ગયાં છે એટલે અમોએ
પ્રત્યક્ષ મંગળ દર્શનની દક્ષિણા રોકડમાં લેવાની શરુ કરી છે તો યજમાનોને લેતા જજો.”
ગોદડિયા ચોરાના મિત્રોને ઘેર પણ આવી જ પરિસ્થિતિનું ઉદભવન થયેલું એટલે એ બધાય
મારા ઘેર હાંફળા ફાંફડા દોડતા આવી ગયેલા.
કોદળો કહે ” અલ્યા મોટે ઉપાડે મંગળપર જવાની વાતો ઠોકતો હતો તે અમારા બધાયનું
ઘરની બહાર નિકળવાનું અઘરું થઇ ગયું છે જે હોય તે સંપેતરું લઇને આવી જાય છે.”
હજુ હું બધાને સમજાવું ત્યાં તો “પોલિસની આઠ દશ ગાડીઓ આવી પહોંચી ને જમરા જેવા
જમાદારો સાથે દુંદાળા ડી.એસ.પી ને પાડા જેવા પી.આઇ સાથે પઢાવેલા પોપટ જેવા
પી.એસ.આઇઓનો કાફલો ગોદડિયા ચોરાના સભ્યોને શોધવા લાગી ગયો.”
અમે સંતાવાની પેરવી કરીયે ત્યાં જ લોકો “અમને બતાવીને કહે આ રહ્યા મંગળપર વાળા”
પછી તો “પોલિસના દંડા પડવાની સાથે જ અમારાં કપડાંના ઝંડા ફરકવા લાગ્યા.”
પોલિસ કહે” દેશનાં રહસ્યો વેચવા સાથે લોકોને ઉલ્લુ બનાવી પૈસા ભેગા કરવા માંડ્યા છે
સાલાઓ ચોરાના ચોરો . હવે તમારી ખબર લોકઅપ લઇ જઇને લઉં છું.”
મેં કહ્યું સાહેબ ” અમારા ચરોતરમાં રુપિયાપુરા વિશ્રામપુરા દાવલપુરા સંતોક્પુરા
ભવાનીપુરા શાહપુર ને રંગાઇપુરા નામે ગામ આવેલાં છે”
“હવે જો તે ગામે જવું હોય તો ચરોતરી બોલીમાંહંતોપર દાલપર ભોનપર વશ્રોમપર સાપર
રંગઇપર એવું જ બોલીએ છીએ સાયેબ”
“ડી.એસ.પી ડખાવાળા કે’ અવે છોનીમોની મોંડીને વાત કર નહિ તો છોતરોં કાઢી નાખીશ.”
મેં કહ્યું સાયેબ “ધનજી ધંતુરાને ત્યાં લગ્ન હોવાથી ગોદડિયા ચોરાને મંગળપુરા જવાનું
આમંત્રણ હતું ચરોતરની બોલીમાં મેં મંગળપર જાવાનું છે એવી વાત કરેલી હતી.”
પી.આઇ તોડુમલ મારા કાનમાં કહે હવે બીજું કાંિ હોય તો સાહેબને કહી તોડ કરાવી દઉં.”
“મારા દીકરા બ્રિજેશને એ નાનો હતો ત્યારે મંગો- મંગળ એવું અમે કહેતા હતા.”
હવે એના દિકરા “ઇશાન (ભાંગતોડકર)ની ચૌલક્રિયા (બાધા-બાબરી)માટે જવાનું નક્કી કર્યું
એટલે મેં ગોદડિયા ચોરાના મિત્રોને આમંત્રણ આપવા ઉતાવળમાં કહી દીધું કે…….”
“મંગળ ને ઘેર મંગળ પર્વ માટે જવાનું છે હવે પર્વ ને બદલે પર બોલાઇ ગયું એમાં આ બધી
રામાયણ સરજાઇ છે.”
બે ચાર તોડિયા વહીવટદારોની સમજાવટ ને પતાવટ દ્વારા આખા કેસનું પોટલુ વાળી દીધું
“મિત્રો ખરેખર હું મંગળ પર્વ માટે મંગળ સાથે જઇ રહ્યો હોઇ આપને ગોદડિયા ચોરામાં કદાચ
ત્રણેક માસ ન મલી શકું તો માફ કરજો .”
“વાચક મિત્રો સાથે બ્લોગાધિપતીઓને ૨૨ ડીસેમ્બર ૨૦૧૩ના રોજ બાબરી પ્રસંગે આપ
સહુને પધારવા માટે મારુંભાવ ભર્યું નિમંત્રણ છે..”
ગામ-જેસરવા . તાલુકો – પેટલાદ. જિલ્લો – આણંદ. (ગુજરાત)
“અને હાં મહેરબાની કરી દંડા પ્રસાદીની યાદ અપાવી દાઝેલા ગોદડિયાને દુઃખી ના કરશો.”
ગાંઠિયો
ચલમ ચંદડી ને ચતુરાઇ તો ચરોતરનાં જ !!!!!!
ચલમ== તંબાકુ – સોનેરી પાનનો મુલક
ચુંદડી== દીકરીને મનભરી કરિયાવર આપવો
ચતુરાઇ== ભાઇ સાતસો રજવાડાં બે માસમાં એક કરવાં (સરદાર પટેલ)
સ્વપ્ન જેસરવાકર
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
info
Recent Comments