ગુજરાતમાં પટેલોને અનામત મળવું જોઈએ તેવી માંગણી સાથે શરૃ થયેલું પાટીદાર અનામત આંદોલન બરાબર જોર પકડી રહ્યું છે ત્યારે સરકારની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ છે. સરદાર પટેલ ગુ્રપને મળવા બોલાવવાનો તખ્તો ઘડીને ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે ત્યાં પુરૃષોત્તમ રૃપાલાનું વિવાદી નિવેદન, નલિન કોટડિયાની રાજીનામાની ઓફર અને સંઘાણીને અનામત મુદ્દે બોલતાં અટકાવવાનો નવો મોરચો ખુલી જાય છે. અનામત પ્રથાનો ભોગ બનેલા પટેલ યુવાનોમાં સરકાર પ્રત્યે રહેલો આક્રોશ સરકાર માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે.
ગુજરાતમાં વણિક, બ્રાહ્મણ, પટેલ, ક્ષત્રિય, લોહાણા સહિતના જનરલ વર્ગમાં આવતી તમામ જ્ઞાાતિના લોકો વર્ષોથી અનામત પ્રથાનો ખરાબ રીતે ભોગ બનતાં આવ્યાં છે. આ પીડામાંથી જન્મેલું પટેલ સમાજનું અનામત માંગણીનું આંદોલન હાલ પુરવેગમાં આવી ગયું છે. પટેલ સમાજને ઓબીસીમાં સમાવવાની માંગણી સાથે શરૃ થયેલું આંદોલન માત્ર દોઢ માસના ગાળામાં એટલું પ્રસરી ગયું છે કે હવે તેને રોકવું ઘણું મુશ્કેલ છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના બેનર હેઠળ હાર્દિક પટેલની આગેવાનીમાં આ આંદોલનનો પ્રારંભ થયા બાદ હવે ખુદ હાર્દિક પટેલ કબુલી રહ્યા છે કે કયાં રેલીઓ નીકળે છે અને કોણ આયોજન કરે છે તેની તેમને પણ જાણ નથી હોતી. પાટીદાર યુવાનોની અનામતનો ભોગ બનવાની પીડા જ તેને આંદોલનમાં ખેંચી લાવે છે. તેથી ખુદ પોતાના હાથની હવે વાત ન રહી હોવાનું હાર્દિક કબુલે છે. અને સરકાર માટે હાલમાં આ જ સૌથી મોટો ચિંતાનો વિષય છે. કારણ કે કોઈ એક કે બે સંગઠન દ્વારા આંદોલન ચલાવાતું હોય તો તેને અટકાવવું સરકાર માટે શક્ય છે. પરંતુ જ્યાં આંદોલન સ્વયંભૂ બની ગયું હોય ત્યાં સરકારે કેટલા સ્થળે આડા હાથ દેવા જાય.
પાટીદાર અનામત આંદોલન સમિતિએ અનામત નહીં તો મત નહીંનું એલાન કરીને ભાજપ સહિતના પક્ષો સામે નગારે ઘા કરી દીધો છે. આગામી બે માસમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રખે ને પાટીદારો ભાજપનો સાથ છોડી દે તો? આ વિચાર માત્રથી સરકાર ધુ્રજી જાય છે. ત્યારે આંદોલનને તોડી પાડવા માટે સરકારે ભાગાલ પાડો અને રાજ કરોની નીતિ અપનાવી આવતીકાલે સોમવારે સરદાર પટેલ ગૃપને ચર્ચા માટે બોલાવ્યું છે.
પરંતુ સરકાર એક મુદ્દે ડેમેજ કન્ટ્રોલ કરે ત્યાં બીજા નવા ચાર મોરચા ખુલી જાય છે. ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પુરૃષોત્તમ રૃપાલાએ પાટીદાર અનામત આંદોલન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકાર ઉથલાવી દેવાનું ષડયંત્ર છે. પરંતુ થોડા જ કલાકોમાં તેમણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું.
આ મુદ્દો હજુ સળગતો હતો ત્યાં ધારીના ધારાસભ્ય નલિન કોટડિયા હાલમાં ભાજપ સાથે છે. તેમણે એવું કહ્યું કે પટેલોને અનામત મળવું જોઈએ. જો સમાજના આગેવાનો કહેશે તો હું રાજીનામું આપવા પણ તૈયાર છું. દરમિયાનમાં આજે ગાંધીનગર ટાઉન હોલ ખાતે પટેલ સમાજના કાર્યક્રમમાં ભાજપના દિલીપ સંઘાણી અનામત મુદ્દે બોલવા ગયા તો લોકોએ હૂરિયો બોલાવીને તેમને બોલતાં અટકાવી બેસાડી દીધા હતાં. આમ, સરકારે આ ત્રણેય મુદ્દાની તપાસ કરીને તેના ડેમેજ કન્ટ્રોલ માટે દોડવું પડયું છે.
એક તરફ સરકાર કહે છે અનામત નહીં મળે, બીજી તરફ ચર્ચા માટે બોલાવે છે
પાટીદાર અનામત આંદોલનને લઈને સરકાર કેટલી વ્યાકૂળ થઈ ગઈ છે તેની સાબિતી સરકારના બે વિરોધાભાસી નિર્ણયો આપી રહ્યા છે. એક તરફ મુખ્યમંત્રીએ ભાજપના ધારાસભ્યોની બેઠકમાં એવી સ્પષ્ટ જાહેરાત કરી દીધી છે કે પટેલોને અનામત નહીં જ આપવામાં આવે. બીજી બાજું આંદોલનકારીઓ અને વિવિધ સમાજના અનામતની માંગણી કરતાં આગેવાનોને મળવા માટે, ચર્ચા કરવા માટે નિમંત્રણ પાઠવી રહી છે. ત્યારે બુદ્ધિજીવીઓમાં ચર્ચાઈ રહ્યું છે કે જો સરકાર અનામત આપી જ શકે તેમ ન હોય તો ચર્ચા કરવા માટે પણ શું કામ બોલાવે છે. તેનો એકમાત્ર મતલબ આંદોલનકારીઓને મુર્ખ બનાવવાનો છે.
ધારીમાં ભાજપના ધારાસભ્ય કોટડિયાની સાફ વાત
...તો હું ભાજપમાંથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપતા અચકાઇશ નહીં
૪૦ વર્ષથી પટેલ સમાજનો આગેવાન રહ્યો છું તેથી સમાજની પડખે રહીશ
ધારી, રવિવાર
ધારીમાં આજરોજ પટેલ વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાં ભાજપના ધારાસભ્ય નલિન કોટડીયાએ પાટીદારોના અનામત પ્રશ્ને ચાલતા આંદોલન સંદર્ભે તિખી પ્રતિક્રિયા વ્યક્ત કરી જરૃર પડયે ભાજપમાંથી રાજીનામુ આપી દેવા પોતે તૈયાર છે તેમ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પાટીદારોને અનામતનો લાભ મળવો જોઇએ તે પ્રશ્ને ચાલતા આંદોલન સંદર્ભે આજરોજ ધારીમાં પટેલ સમાજના સંમેલનમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા ધારી-બગસરાના ભાજપના ધારાસભ્ય નલિન કોટડીયાને વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રશ્ન પુછી તમે પાટીદાર સમાજની સાથે છો કે નહીં તે મુદ્દે ચોખવટ કરવા જણાવ્યું હતું તેથી આ સંદર્ભે ધારાસભ્ય કોટડીયાએ જણાવ્યું કે છેલ્લા ૪૦ વર્ષથી હું પાટીદારોના પ્રશ્ને લડતો રહ્યો છું. પટેલ સમાજે જ મને મોટો કર્યો છે. અનામત આંદોલનના પ્રશ્ને હું મુખ્યમંત્રીને મળી આવ્યો પણ છું અલબત્ત અત્યારે સરકાર પણ આ મુદ્દે વાટાઘાટની ફોર્મ્યુલાથી પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન કરે છે પરંતુ તેમ છતાં હું પાટીદાર સમાજની પડખે જ રહીશ. તેમજ જરૃર પડશે તો ધારાસભ્યપદેથી રાજીનામુ આપતા અચકાઇશ નહીં તેમ જણાવ્યું હતું.