પાટીદારોને અનામત આપોની માગણી સાથેનું આંદોલન વ્યાપક રીતે વિસ્તરી રહ્યું છે તો સમાજના અન્ય જ્ઞાાતિ સમાજો પણ પોતાનો દાવો રજૂ કરી રહ્યાં છે. ગુજરાતમાં વિસ્તાર પ્રમાણે નવાં જ્ઞાાતિ સંગઠન આકાર પણ લઈ રહ્યાં છે. તો વળી ક્યાંક પટેલ સમાજને અનામત ના માગે તથા અનામત પ્રથાની નાબૂદીનો પણ સૂરી ઊઠી રહ્યો છે. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સંગઠને બ્રાહ્મણોને થઈ રહેલા અન્યાયનો મુદ્દો વર્ણવીને આર્થિક માપદંડ આધારિત અનામત શૈક્ષણિક ક્ષેત્રે અનામત તથા બ્રાહ્મણ આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવાની માગણી કરી છે. અંગે અમદાવાદમાં મંગળવારે, તા. ૧૮મીએ સત્તર તાલુકા બ્રાહ્મણ સમાજભવન ખાતે બેઠક યોજવાની જાહેરાત કરી છે. બીજી તરફ બ્રહ્મસેના નામક સંગઠને ઔદિચ્ય સમાજની વાડી, દોલતખાના સારંગપુર ખાતે બેઠકનું આયોજન કર્યું છે.વૈષ્ણવ વણિક સમાજે બેઠક યોજી મંચની સ્થાપના કરી હોવાનું જણાવી વૈષ્ણવ વણિકોને પણ આર્થિક માપદંડ આધારિત અનામત મળવી જોઈએ તેવી માગણી કરી છે. દરમિયાન અખિલ ભારતીય જનસંઘના પ્રદેશ સંગઠને વર્ગવિગ્રહ ઊભો થવાની દહેશત વ્યક્ત કરી, દેશભરમાંથી અનામત પ્રથા નાબૂદ કરવાની માગણી કરી છે. વળી, પાટીદાર સમાજ દેશ-રાજ્યના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર સમાજ છે અને તે અનામતને લીધે પોતાની ચમક અને તાકાત ગુમાવશે એમ જણાવ્યું છે.