પ્યારા વાંચક મિત્રો ૩૧ ઓક્ટોમ્બર ના રોજ એકતા અખંડીતત્તાના સ્વપ્નદ્રષ્ટા અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ આવે છે તો ગીતના માધ્યમ દ્વારા તેઓને યાદ કરી તેમના કાર્યો અને ગુણોને જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ બનીએ એવી અભિલાષા સહ……
( રાગ: આંધળી માનો કાગળ)
ખેડા જીલ્લો ખમીરવંતો ને ગૌરવવંતી છે ગુજરાત
ઝવેરભાઈ ને ઘેર જન્મ્યા છે બળુકા બંધુ બે ભ્રાત.
જન્મ્યા છે એ નડીયાદ મોસાળે
વિઠ્ઠલ અને વલ્લભ એવા નામે.
પ્રાથમિક શિક્ષણની લીધી છે શિક્ષા કરમસદ ગામે
માધ્યમિક શિક્ષણ મેળવ્યું છે ભાઈ પેટલાદ મુકામે
ઉચ્ચ શિક્ષણ માટે દીધો છે ડંકો,
વિલાયત જવાનો નિર્ધાર પાકો.
બેરિસ્ટર બની ને જબરી એમણે તો કરી છે વકીલાત,
હિન્દુસ્તાન આવી ગરીબોના બેલી બન્યા છે સાક્ષાત.
ગાંધી બાપુ કેરા સંપર્કે આવ્યા
પરદેશી પોશાક ને પણ તાગ્યા
બોરસદમાં જજિયા વેરો ખેડામાં પ્લેગની મહામારી
લડતો માંડી સરકાર સામે સેવાના બન્યા ભેખધારી .
દાંડી યાત્રામાં જ ચેતના જગાવી
રાસમાં વલ્લભ વડે ધૂણી ધખાવી.
ખેડૂતોના મહેસુલ વધારી ઘર જમીનની જપ્તી ચલાવી
સરદાર પોકારે બારડોલી જાગ્યું સરકાર પણ ડોલાવી.
માફ થયું મહેસુલને સરકાર ગઈ હારી
કેવી રંગત લાવી સરદારની સરદારી.
હિન્દ છોડોની લડત લડ્યા ગાંધી સાથે ખભે ખભો મિલાવી,
રાત દિવસ પરવા ના કરી ને રહ્યા જેલમાં દિવસો વિતાવી.
આઝાદીની ઉષાએ ઉગ્યો આનંદ ને ઉમંગ
પ્રજાએ સહુને વધાવ્યા સરદાર કેરા સંગ .
છસો રજવાડા એક જ કર્યાને ગુથી છે ભારત ભાગ્યની માળા
આઝાદી મળી ભવ્ય ભારત ભૂમિને અંગ્રેજોએ ભર્યા છે ઉચાળા
એકતા અખંડીતત્તા કેરી હાંક જ વાગી
જુનાગઢ જાગ્યું ને હૈદરાબાદ ગયું હાલી.
અમુલ કેરો મંત્ર જ આપ્યો ને પોલસનને કર્યો છે પડકાર
શ્વેત ક્રાંતિ કેરા બીજ રોપ્યા ને ખેડૂતોને કર્યા ખબરદાર
ગરીબ જનતાનો બન્યા સાચા હમદર્દી
જગમાં ગાજી સાચા જન સેવકની કીર્તિ
સોમનાથ મંદિરે કરી અડગ પ્રતિજ્ઞા જીર્ણોધ્ધાર કેરી
શુરવીર સરદારે એક અંજલી જળ લઇ કરી એને પૂરી
કાશ્મીર કેરું કોકડું આજે પણ ગુંચાવે
વારે ઘડીએ સરદાર કેરી યાદ અપાવે
રાજઘાટ શાંતિઘાટ વિજયઘાટ ને ઘાટ ઘાટ કેરી હારમાળા
એકતાના પ્રહરી સરદાર કેરી જપે ભારતીય જન જન મનમાળા
કદી ના વિસરાશે અમ સરદાર પ્યારા.
જન જન કેરા મનમાં વસે સરદાર હમારા.
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )